પહાડ ફળિયા પ્રાથમિક શાળાનો સૌ પ્રથમ શાળા સ્થાપના દિવસ ઉજવાતો હોય તો પ્રથમ આ શાળાના ભૂતકાળમાં અચૂક ડોકિયું કરવું પડે.
પહાડ ફળિયા પ્રાથમિક શાળાની સ્થાપના 18મી ઓક્ટોબર 1983 નાં રોજ થઈ હતી. જેમના સ્થાપક હતા સ્વ.રમણભાઈ દેવજીભાઈ પટેલ કે જે (કેસરી ટોપીનાં હુલામણા નામથી જાણીતા) હતાં. તેમનાં અને ગામનાં આગેવાનોનાં અથાગ પ્રયત્ન થકી આ શક્ય બન્યું હતું.
આ પહેલાં, પહાડ ફળિયાના નાના નાના ભૂલકાઓને કોતરડાં ઉતરીને ઝાડી ઝાખરાંમાંથી, ખેતરના શેઢે થઈને વેણ ફળિયા પ્રાથમિક શાળામાં જવું પડતું હતું. જ્યારે વેણ ફળિયાની પીઠા સરહદ પર આવેલા કેટલાક કુટુંબોના બાળકો પીઠા પ્રાથમિક શાળા (વલસાડ ) અંદાજિત ૩ કિમી જેટલું અંતર ચાલીને જતાં હતાં. જે બાળકોના ડ્રોપ આઉટ માટે કારણ હતું.
આ ફળિયાના બાળકો સહેલાઇથી શાળામાં આવી શકે અને અભ્યાસ કરી શકે એ હેતુસર આ શાળાની સ્થાપના કરવા આવી હતી. જે વેણ ફળિયાના વડીલો પાસેથી જાણવા મળ્યું હતું.
જેને કારણે સ્વ. રમણભાઈ પટેલ અને ગામનાં આગેવાનોનાં સહિયારા પ્રયાસથી સને 1983માં આ વર્ગશાળાની મંજુરી મેળવી હતી. પ્રથમ આ શાળાનું મકાન નળિયાવાળું, વાંસની ભીંત અને લીપણવાળું ભોંયતળિયું હતું. જે તેમણે લોકભાગીદારીથી મકાન બનાવ્યું હતું.જેમાં પ્રથમ ધોરણ ૧ થી ૪નાં બાળકો અભ્યાસ કરતાં હતાં. ત્યાર બાદ ધોરણ -૫ સામેલ થતાં હાલ ધોરણ ૧થી૫ સુધીના બાળકો અભ્યાસ કરે છે.
શાળા સ્થાપના સમયે શાળામાં સૌપ્રથમ શિક્ષકોમાં સ્વ.ચંદુભાઈ પટેલ (વતન મિશન ફળિયા ખેરગામ) અને સ્વ. ચીમનભાઈ પટેલ (વતન પોમાપાળ ખેરગામ)ની આ શાળામાં નિમણૂક થઈ હતી. ત્યાર બાદ આ શાળામાં આશાબેન પટેલ (હાલ વાવ પ્રા.શાળા), જયેશભાઈ પટેલ (ચીખલી તાલુકામાં), ભારતીબેન પટેલ( હાલ કન્યા શાળા ખેરગામ), તરુલતાબેન પટેલ (હાલ ચીખલી તાલુકામાં) અને વનિતાબેન જે પટેલ (બંધાડ ફળિયા ખેરગામ, હાલ નિવૃત્ત) જેઓ ભૂતકાળમાં આ શાળામાં ફરજ બજાવી ચૂક્યા છે. થોડા સમય વર્ષ પછી સમયાંતરે બે ઓરડા અને એક એલ.એન્ડ ટી.નો એક ઓરડો એમ કુલ ત્રણ ઓરડા બન્યા હતા. પરંતુ તમામ રૂમો જર્જરિત થવાને કારણે તોડી પાડી હાલ બે માળના મકાનમાં ચાર નવા ઓરડા બનાવવામાં આવેલ છે. જેમાં 1 થી 5 ધોરણનાં બાળકો અભ્યાસ કરે છે. શિક્ષકોમાં શ્રીમતિ બબીતાબેન પટેલ, શ્રી ધર્મેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, તેમજ બી.આર.સીમાંથી વયમર્યાદાને કારણે પરત શિક્ષક તરીકે આવેલ શ્રી અમૃતભાઈ પટેલ ફરજ બજાવે છે.
સરકારના પરિપત્ર અનુસાર શાળા સ્થાપના ઉજવણી કરવાની હોય આ શાળાની સ્થાપના થયેથી આ વર્ષે આ શાળાના ૩૯ વર્ષ પૂર્ણ થતાં તારીખ ૧૮-૧૦-૨૦૨૨નાં રોજ શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી.
આ શુભ પ્રસંગે શ્રી અશોકભાઈ નગીનભાઈ પટેલ (રહે વેણ ફળિયા) તરફથી શાળામાં સરસ્વતી માતાની મૂર્તિ સ્થાપના માટે ₹35000.00 રૂપિયાનું યોગદાન આપ્યું છે. આજે તેઓ સંજોગોવસાત હાજર રહી ન શક્યા હતાં પરંતુ તેમના ધર્મપત્ની,પુત્ર અને પુત્રી હાજર રહી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠામાં તેમણે ભાગ લીધો હતો. જેઓ વેણ ફળિયાના ગરીબ પરિવારોને આપત્તિ સમયે છૂટા હાથે મદદ કરી છે, અને કરતાં રહે છે. શાળાને દાન આપવા બદલ શાળા પરિવાર અને ગ્રામજનો શ્રી અશોકભાઈ પટેલના ઋણી રહેશે. અને વર્ષો પર્યંત શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરેલ બાળકો અને શિક્ષકો તેમની અમૂલ્ય દાનના સંસ્મરણો વાગોળતા રહેશે.
આ કાર્યક્રમમાં ફળિયાના આગેવાનો શ્રી અરવિંદભાઈ પટેલ (નિવૃત્ત કેન્દ્ર શિક્ષક), ઈશ્વરભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક), ઈશ્વરભાઈ પટેલ(નિવૃત્ત શિક્ષક), જેસંગભાઈ પટેલ (નિવૃત્ત શિક્ષક, મોતીભાઈ પટેલ(નિવૃત્ત શિક્ષક), દિલીપભાઈ પટેલ, (નિવૃત ઓડિટર), ગુલાબભાઈ પટેલ, ઉત્તમભાઈ પટેલ, ભગુભાઈ પટેલ, યુવાન આગેવાન કિર્તી પટેલ, શાંતિલાલ પટેલ,જિલ્લા પંચાયત માજી સભ્ય શ્રી પ્રશાંતભાઈ પટેલ, રડકાભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગામનાં યુવાન, યુવતીઓ, અને વડીલ ભાઈ - બહેનો, ખેરગામ તાલુકાના બી.આર.સી. શ્રી વિજયભાઈ પટેલ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી શ્રી કિરીટભાઈ પટેલ, બી.આર.સી. સ્ટાફ, વાવ કેન્દ્રનાં આચાર્યો અને શિક્ષકો હાજર રહ્યા હતાં.
0 Comments